ખેરગામમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પનું આયોજન
ખેરગામ તાલુકાના દાદરી ફળિયા ખાતે અંબિકા યુવક મંડળના આયોજન હેઠળ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ પોલીસ તથા રાજચન્દ્ર હોસ્પિટલ, ધરમપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ ૩૮ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લ તથા ધર્મચાર્ય શ્રી પરભુદાદાના દીપ પ્રાગટ્ય અને આશીર્વાદ સાથે થઈ હતી. પ્રફુલભાઇ શુક્લએ પ્રાસંગિક ઉદબોધન કરી અંબિકા યુવક મંડળ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરાયેલા સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, શ્રી ચેતનભાઈ પટેલ, ખેરગામ પીઆઇ શ્રીમતી પીનલબેન ચૌધરી, શ્રી સંજયભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી મિતેશભાઈ, શ્રી સાવનભાઈ તથા અંબિકા યુવક મંડળના સભ્યોએ વિશેષ પુરુષાર્થ કર્યો હતો.
સાંજના સમયે આરતી તથા મહાપ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ત્યારબાદ રાત્રે સુરસાગરમાં શ્રી મુકેશભાઇના સથવારે ભક્તોએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી.



0 Comments