શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત

   શામળા ફળિયા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં નવાં ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત.

ખેરગામ, તા. 25 જૂન, 2026: ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ–2026 તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં કુલ 7 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળાના 3 અને પોમાપાળ પ્રાથમિક શાળાના 4 બાળકોનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય શાળાઓમાંથી ધોરણ-6માં પ્રવેશ મેળવનાર 7 વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધોરણ 1 થી 8 સુધીની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર તથા 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે શાળાની **સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)**ના સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રગતિ તથા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.


કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓ શ્રી શંકરભાઈ પટેલ, શ્રીમતી આશિકીકુમારી પટેલ, શ્રીમતી વિભાબેન પટેલ અને શ્રીમતી હેમલતાબેન પટેલનું બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે પ્રેરણાદાયી પ્રવચન આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયકે પણ બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરતાં ગુણવત્તાયુક્ત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મૃદુ સ્વભાવ અને આત્મીય વ્યવહારને કારણે ગ્રામજનો તથા શિક્ષકોમાં તેઓ એક સંવેદનશીલ અને લોકપ્રિય અધિકારી તરીકે ઓળખ ઉભી કરી  છે.


કાર્યક્રમમાં લાયઝન અધિકારી શ્રી જીગરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિનીબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી જિજ્ઞાબેન પટેલ અને શ્રીમતી રશ્મિબેન ટેલર, પૂર્વ સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, આગેવાનો શંકરભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ, બંને શાળાના SMC સભ્યો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Post a Comment

0 Comments