મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.
ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો.
કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અંતરિયાળ તથા આદિજાતિ વિસ્તારોના દરેક બાળકને ગુણવત્તાસભર, આધુનિક અને મૂલ્યલક્ષી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન ગણાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું.
વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં હાલમાં કુલ 228 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રસંગે બાલવાટિકાના 14 બાળકોને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત વાડ ઊંચાબેડા પ્રાથમિક શાળા ખાતે પણ કુલ 36 વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકાના 4 બાળકોનું સ્વાગત કરી તેમની શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અજયભાઈ એલ. ગેલાણી (કાર્યપાલક ઈજનેર, ડ્રેનેજ વિભાગ, નવસારી), ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન દેસાઈ, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, ભાજપના અધ્યક્ષ શ્રી લિતેશભાઈ ગાંવિત, નવસારી જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મોહિનીબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ચેતનભાઈ પટેલ તથા શ્રીમતી જીજ્ઞાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકાના અગ્રણી શ્રી વિજયભાઈ રાઠોડ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી ભૌતેશભાઈ કંસારા, સરપંચશ્રીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ આગેવાનો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌના સહયોગથી યોજાયેલો આ શાળા પ્રવેશોત્સવ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, બાળમૈત્રી વાતાવરણ અને નવા શૈક્ષણિક વર્ષના ઉમંગનું પ્રતિક બન્યો હતો.






0 Comments