ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉત્સાહપૂર્વક યોજાયો.
ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં તારીખ ૨૦/૧૨/૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતો આનંદમેળો ઉત્સાહ અને ઉમંગભેર યોજાયો હતો. આ આનંદમેળાનું ઉદ્ઘાટન ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ આનંદમેળામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સહકારથી અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભેલ, પાણીપૂરી, સમોસા, વડાપાંઉ, છાશ, ખમણ, ગુલાબજાંબુ સહિતની વાનગીઓ વેચાણ માટે મુકવામાં આવી હતી. મેળામાં એસએમસીના સભ્યો સહિત અબાલ-વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વાનગીઓની લિજ્જત માણી હતી.
આ પ્રકારના આનંદમેળા દ્વારા વિદ્યાર્થીઓમાં વેચાણનો અનુભવ, નફા-ખોટની સમજ, વાનગીઓ બનાવવા માટે કાચા માલની જરૂરિયાત, તેમજ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવા ગણિતીય કૌશલ્યોનો વ્યવહારુ વિકાસ થાય છે. શાળાની આ પ્રવૃત્તિ બાળકો માટે શિક્ષણ સાથે આનંદનું ઉત્તમ ઉદાહરણ બની રહી.
આ તબક્કે શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે બાળકોને પ્રોત્સાહન આપવા બદલ વાલીઓ અને ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.




0 Comments